વાત ૯૦ના દશકની છે, પણ આજે પણ પ્રેરણારૂપ છે.
ગુજરાતના જામનગર જીલ્લામાં ઓખામંડળ કરીને ગામ આવેલ છે. તે એક સુંદર અને રમણીય દરિયાકિનારો ધરાવે છે. દર વર્ષે માર્ચથી મેં મહિના દરમિયાન ઓખાના દરિયામાં મોટી સંખ્યામાં વ્હેલ માછલીઓ પોતાના બચ્ચાને જન્મ આપવા આવતી હોય છે. ૯૦ના દશકમાં ગુજરાતના દરિયાકિનારે તે માછલીઓનો મોટા પાયે શિકાર થતો હતો. દર વર્ષે ૧૦૦૦ જેટલી વ્હેલ માછલીઓને મારી નાખવામાં આવતી. મે ૨૦૦૧માં વ્હેલ માછલીને નાશપ્રાય પ્રજાતિ તરીકે જાહેર કરવામાં આવી, જેથી તેનો શિકાર કરવો ગેરકાયદેસર બને અને તેને બચાવી શકાય.
તે મોટી માછલીને મારવાથી માછીમારને આશરે એક લાખ જેટલા રૂપિયા મળતા હતા. અને તે તેમના માટે ખુબ મોટી રકમ હતી. વળી તેઓ વ્હેલના નાશપ્રાય પ્રજાતિ અંગેના કાયદા વિષે તદ્દન અજાણ હતા. તેથી તેનો શિકાર ચાલુ રહ્યો. પણ તેને અટકાવવો જરૂરી હતો.
આ અભિયાનમાં તાતા કેમિકલ, વાઈલ્ડલાઈફ ટ્રસ્ટ ઓફ ઇંડિયા, અને ઇન્ટરનેશનલ ફંડ ફોર એનિમલ વેલ્ફેરનો ફાળો મહત્વનો રહ્યો. તેઓએ આખા અભિયાનને ખુબ જ સમજી વિચારીને આગળ વધાર્યું.
કોઈ પણ અભિયાનને શરૂઆતમાં વેગ આપવા માટે એક ચેહરા (બ્રાંડ એમ્બેસેડર)ની જરૂર પડે છે. જેથી લોકો તે અભિયાનની સાથે જોડાય અને હૃદયથી અનુસરે. ઘણા બધા નામ વિચાર્યા પછી તેઓએ ગુજરાતના ધાર્મિક ગુરુ મોરારી બાપુને બ્રાંડ એમ્બેસેડર તરીકે નીમ્યા.
તે એક બિનપરંપરાગત પગલું હતું. પણ તેમને લાગ્યું કે ઓખામંડળની સામાન્ય જનતા સુધી પહોચવામાં એક ફિલ્મી અભિનેતા કરતા એક અનુભવી અને આદરણીય વ્યક્તિ વધુ યોગ્ય રહેશે. તેઓ તેમની સાથે એક આત્મીય રીતે જોડાઈ શકશે.
મોરારી બાપુએ લોકો સાથેની પોતાની વાતોમાં તેમને જણાવ્યું કે આ માછલીઓ તો આપણા માટે અતિથી સમાન ગણાય. અને આપણે તો ‘અતિથી દેવો ભવ:’ કહીએ. એટલે તેઓ આપણા માટે દેવ સમાન ગણાય. વળી તેઓ આપણે ત્યાં તેઓ પોતાના બચ્ચાને જન્મ આપવા આવે છે. તેથી તેઓ તો આપણા માટે દીકરી સમાન ગણાય.
ગુજરાતમાં દીકરીઓ પોતાના સંતાનને જન્મ આપવા તેના માતાપિતાને ત્યાં જાય છે. તે જ રીતે આ વ્હેલ માછલીઓ આપણી દીકરી જેવી કહેવાય. આ એક ખુબ જ માર્મિક અને સચોટ સંદેશો નીવડ્યો.
વાઈલ્ડલાઈફ માટે કોઈ ધર્મગુરુએ આગળ આવીને કામ કર્યું હોય તેવો આ પહેલો દાખલો હતો.
તેમણે આ અભિયાન દરમિયાન વ્હેલને એક નવું નામ આપ્યું. ‘વ્હાલી’.
માછીમારો પહેલા તે માછલીને ‘બેરલ’ના નામે ઓળખતા. કેમ કે તેના શિકાર માટે તેઓ તે લાંબા ભાલા જેવા હથિયારનો ઉપયોગ કરતા. તે માછલીને બેરલને બદલે વ્હાલી કહીને તેઓ તેને એક સકારાત્મક અભિગમ આપવા માંગતા.
આખા ઓખામંડળમાં તે અભિયાન અંગે જાગૃતિ લાવવી પણ જરૂરી હતી. તે માટે તેઓએ દુરથી દેખાઈ શકે તેવા હવા ભરેલા વ્હેલ આકારના રંગીન ફુગ્ગા બનાયા. અને દરેક ગામમાં જ્યાં વધુ લોકો ભેગા થતા હોય તેવા જાહેર સ્થળોએ તે લટક્વ્યા.
શેરી નાટકો પ્રયોજ્યા. જેનો મુખ્ય વિષય પોતાના ઘરે આવીને આનંદ પામતી દીકરી વિષે રહેતો.
ઘણા માછીમારોએ વ્હેલ માછલીને નહિ મારવા માટેના સોગંદ લીધા. અને તેઓનું જાહેરમાં સન્માન કરવામાં આવ્યું. ત્યાંના સ્થાનિક અખબારોમાં તે અંગેની જાણકારી આપવામાં આવી.
આ બધા પ્રયત્નોની અસર એ આવી કે કેટલાક માછીમારોએ પોતાની જાળમાં ફસાઈ ગયેલી વ્હેલને મુક્ત કરી છોડી દીધી. તે અવસરની નોંધ લેવામાં આવી અને દરેક સ્થાનિક અખબારોમાં તેમને બિરદાવવામાં આવ્યા.
આ અભિયાનને કારણે લોકોમાં ઘણી જાગૃતતા આવી, અને વ્હેલ માછલીઓનો શિકારમાં નોંધપાત્ર ઘટાડો થયો. આ અભિયાનને ભારતના વડાપ્રધાનના હાથે ૨૦૦૫માં ગ્રીન ગવર્નન્સનો એવાર્ડ પ્રાપ્ત થયો.
રેફરન્સ: તાતા લોગ, હરીશ ભાટ, પેન્ગુઇન ગ્રુપ (ન્યુ દિલ્હી), ૨૦૧૨, પેજ. ૬૨-૬૬.