“પપ્પા, કહ્યું ને કે મારા લગ્ન થઇ ગયા છે.” શ્રુતિએ તેના પપ્પાના હાથમાં ચાનો કપ આપતા કહ્યું.
“શું વાત કરે છે, દીકરા. હજુ તો તારી ઉંમર ૧૭ વર્ષની છે. અને કોર્ટ પણ તારા લગ્નને માન્યતા ના આપે.” ચાની ચુસ્કીઓ લગાવતા કટાક્ષ કરતા પપ્પાએ શ્રુતિને જવાબ આપ્યો.
“જયારથી તમે મને સંગીત શીખવા મૂકી હતી, ત્યારથી તમે મને સંગીતને પરણાવી દીધી હતી. કેમ તમે એ વાત ભૂલી ગયા. તે વાતને દસ વર્ષ થઇ ગયા, પણ હજી મને તો યાદ છે.”
સાંભળીને શ્રુતિના પપ્પાના ચહેરા પર સ્મિત ફરી વળ્યું. શ્રુતિના થોડા ગાંડા અને વિચાર કરી મુકે તેવા વિચારો સાંભળીને તે પણ એક વખત વિચારમાં પડી ગયા.
“પપ્પા તમે ગમે તે કહો. ભલે હું હજી નાની છું. પણ પરણવા લાયક થઈશ, ત્યારે પણ આ જ જવાબ આપવાની છું. અને હા, મેં નક્કી કર્યું છે કે હું આજીવન તમારી સાથે જ રહેવાની છું.”
શ્રુતિના પપ્પા હવે જરા ગંભીર થઇ ગયા.
“નિયતિ. ઓ નિયતિ. જો તારી દીકરી શું કહે છે. મને તો એ ઘડીકમાં નાની લાગે છે, તો ઘડીકમાં મોટી થઇ ગઈ હોય તેમ લાગે છે.”
ફરી તેમણે છાપા ફેરવવા લાગ્યું.