“શું વાત કરો છો? મનુભાઈ ગયા? હજુ બે દિવસ પહેલા તો મને મળ્યાં હતા. એમ તો તબિયત સારી લાગતી હતી. તેમને તો કોઈ એવો ખાસ રોગ પણ નહોતો. તે વળી આમ કેમ થયું?”
મનુભાઈ વ્યવસાયે શિક્ષક હતા, પણ આખા ગામનું ધ્યાન રાખતા. ખાસ કરીને શાળામાં ભણતા બાળકોનું. દરેક બાળકનું નામ, ઘરનાં સભ્યોની જાણકારી અને તેમની આર્થિક પરિસ્થિતિ.
ગામનું કોઈ એવું વ્યક્તિ નહી હોય જેને મનુભાઈએ મદદ ન કરી હોય.
તેવામાં એમનું ચાલ્યાં જવું તે દુ:ખભરી ઘટના હતી.
દાક્તર દ્વારા માલુમ પડ્યું કે તેમને ફેફસાનું કેન્સર હતું અને જાણી જોઈને સારવાર નહોતી કરાવી.
થોડા વડીલોએ તેમનું ઘર તપાસ્યું તો માલુમ પડ્યું કે તેઓ પોતાની સઘળી સંપત્તિ શાળાને નામે કરતા ગયા છે.
“મનુભાઈ, તમારું તો કહેવું પડે. તમે જીવન તો સુધાર્યું પણ મોતને પણ અવસર બનાવ્યો.
તમને આખા ગામનાં વંદન.”