“મોટા ભાઈ, એક પાંચ રૂપિયા આપતા જાઓને. ભગવાન આપનું ભલું કરશે.” ઘોડીના ટેકાને સરખો કરતા તેણે મંદિરમાં પ્રવેશતા આગંતુક પાસે હાથ ફેલાવી પોકાર્યું.
“જો તારા કહેવાથી ભગવાન ખરેખર ભલું કરતો હોત તો તું તારું જ ભલું કેમ નથી માંગતો?” મોંઢું મચકોડતા આવેલ ભાઈએ ભિખારીને તિરસ્કાર ભર્યો જવાબ આપ્યો.
“વાત તો સાચી છે, પણ વિચારવા લાયક પણ ખરી. આપ શું વિચારીને અંદર જઈ રહ્યા છો? અંદર ગયા પછી ભગવાન તમારું સાંભળશે તેની શું ખાતરી?
ખરું જોવા જઈએ તો તમારા કરતા મારી પરિસ્થિતિ વધુ સારી છે. મારી અરજનો તો તરત નિકાલ આવી જાય છે.
ક્યાં તો મને પૈસા મળે છે, અથવા તો નથી મળતા. પણ તમારે તો…
અને હા, ભીખ માંગવી એ પણ નિષ્ઠાનું કામ છે. એક વાર અહી ઉભા તો રહી જોવો. કેટલી માનસિક યાતનામાંથી પસાર થવું પડે છે તેનો ખ્યાલ આવશે.”