ડાબા પગનો બુટ પહેર્યા પછી જમણા પગનો બુટ પહેરવા એ જરાક નીચે નમ્યો. બુટની દશા જોઇને બે ઘડી તે વિચારમાં પડી ગયો.

થોડા ફાટેલા હતા, પણ સાવ ખરાબ ન હતા. વળી, તે નવા બુટ ખરીદી શકે તેમ ન હતો. પિતાજીએ તો પહેલેથી જ તેના ફૂટબોલ પ્રેમને નકારી કાઢ્યો હતો.

ઘરમાં એક સાંધતા તેર ભાંગે તેવી પરિસ્થિતિ હતી. તેની મોટી બે બહેનોના નજીકમાં લગ્ન લેવાના હતા. પણ પૈસા ન હોવાને કારણે વાત લંબાતી હતી.

કાલે જો તેની પસંદગી કોલેજની ફૂટબોલ ટીમમાં થઇ જાય તો તેને કોલેજમાં રોજીંદા ક્લાસ ભરવામાંથી મુક્તિ મળી શકે તેમ હતી. અને તે સમય તે નોકરી કરવામાં વાપરી શકે તેમ તેનું માનવું હતું.

ટીમમાં સ્થાન અને ઘરમાં આર્થિક મદદ એમ બેવડી ઈચ્છા સાથે તેનું મન ચકરાવે ચડ્યું હતું. આખો દિવસ મેદાનમાં પસાર કર્યા બાદ થોડોક થાક વર્તાતો હતો. ખરો થાક તો માનસિક હતો. જો પસંદગી ન થઇ તો.

તે વિચારથી તેની આંખ ભરાઈ આવી. તે રાતે તે નિરાંતે સુઈ પણ ન શક્યો. પડખા ફેરવવા નાહક પ્રયત્ન કરતો રહયો, પણ ઊંઘ આવતા જરાક વાર થઇ.

સવારે તે અન્ય કરતા થોડોક વહેલો ઉઠી ગયો. તેની બંને તરફ બે બહેનો સુતેલી હતી. તેમના ચહેરા પરની માસુમિયત તેને ગમી ગઈ.

પોતાની મિત્ર સમાન સાઇકલ પર સવાર થઇ તેને સ્કુલ તરફ દોટ લગાવી. ફરી તે બુટ પર નજર ફેરવી. આજે જાણે બુટ તેની સાથે વાત કરતા હોય તેમ તેને લાગ્યું. તેઓ જાણે તેના મનની વાત જાણી ગયા હોય તે રીતે ચમકતા હતા.

સ્કુલમાં પહોંચનારો તે પહેલો વિદ્યાર્થી હતો. શિક્ષક પણ આવ્યા ન હતા. મેદાન પર નજર કરી એક ઊંડો શ્વાસ લીધો. આખી દુનિયામાં તે ફક્ત એકલો જ હોય અને તેની લડાઈ પોતાની સાથે જ હોય તેમ તેને લાગ્યું.

થોડીક વારમાં તો અન્ય વિદ્યાર્થીઓ પણ આવી પહોંચ્યા. પસંદગીની પ્રક્રિયા શરુ થઇ. તેનો આત્મવિશ્વાસ બુલંદ હતો. પણ નિષ્ફળ થવાનો ડર પણ હતો.

બરાબર બે કલાકની પ્રક્રિયા બાદ શિક્ષકે પસંદ થયેલ વિદ્યાર્થીઓની યાદી નોટીસ બોર્ડ પર લગાવી. મેદાનમાં રહેલા બધા વિદ્યાર્થી તે તરફ દોડ્યા.

તેના પગ જાણે તે દિશામાં જવાની ના પાડી રહ્યા હતા. જો તેનું નામ તે યાદીમાં નહિ હોય તો. કિનારે આવેલ વહાણ ડૂબી જશે તેમ તેને લાગ્યું. તેને તેની બને બહેનોના ચહેરા નજર સમક્ષ આવી ગયા. ફરીથી આંખ ભરાઈ આવી.

મન મક્કમ કરી તેણે યાદી જોવા પગ ઉપડ્યા. નોટીસ બોર્ડ પર નીચેથી નામ જોવા માંડ્યો. જેમ જેમ નીચેથી નામ જોતો ગયો, તેનું નામ તેને દેખાયું નહિ. દરેક નામ સાથે તેના હૃદયના ધબકારા વધતા ગયા. કપાળ પર પરસેવો બાઝવા લાગ્યો. હાથની આંગળીઓ ધ્રુજવા લાગી. આંખમાં અંધારા છવાઈ રહ્યા હોય તેમ લાગ્યું.

તેની સમક્ષ તેના ઘરની સ્થિતિ, બહેનોના અટકી પડેલ લગ્ન, નોકરી કરવાની તક, અને જીવનમાં ઘર માટે કશુક કરી બતાવવાના વિચારો આવવા લાગ્યા.

હવે ફક્ત ત્રણ જ નામ બાકી રહ્યા હતા. અને જો તેમાં પણ તેનું નામ ન હોય તો.

તેની આંગળીઓ નોટીસ બોર્ડ પર લાગેલા કાગળમાં રહેલ નામ પર ફરવા લાગી. ત્રણ, બે, અને એક…

જાણે કે તેણે તેના શરીર પરનો કાબુ ગુમાવી દીધો હોય તેમ તે જ્યાં ઉભો હતો ત્યાજ બેસી પડ્યો. બને હાથ તેણે તેની આંખો પર મૂકી દીધા.

આ વખતે ફરી તેની આંખમાં આંસુ છવાઈ ગયા. પણ આ વખતે આંસુ ખુશીના હતા…

Whatsapp us to get in touch with you!