“આ ઢીંગલી બહુ રૂપાળી છે. આને તો હું નહિ જ વેચું.” બધા રમકડા વાર ફરતી તપાસી રમાએ તેની માંને કહ્યું.

રમા અને તેની માં શહેરના મધ્યભાગે આવેલ મહાલક્ષ્મીના મંદિર પાસે રમકડા વેચવા બેસતા. તેમણે બનાવેલા રમકડા ખુબ જ સુંદર લાગતા, અને વ્યાજબી કિંમતે વેચવાને કારણે ઝડપથી વેચાઈ જતા.

મંદિરમાં શુક્રવારે ખાસ ભીડ રહેતી. બંને તે સારું વધુ રમકડા બનાવતા, અને વેચાઈ પણ જતા.

આજે પણ શુક્રવાર હતો. ભક્તોની ભીડ જામવા લાગી હતી. ખાસ કરીને સાંજના સમયે વધુ લોકો આવતા. રમાએ તેનો રમકડાનો ટોપલો ગોઠવવા માંડ્યો. આટલા સમયને અનુભવે તેને રમકડા ગોઠવવાની ફાવટ આવી ગઈ હતી.

તેને ખબર હતી કે જો બધા જ સુંદર રમકડા એક સાથે તે બહાર રાખી દેશે તો ઓછા સુંદર લાગતા રમકડા પાછળથી નહિ વેચાય. પણ તે ઢીંગલી પર તો તેની નજર બેસી ગઈ હતી. તે ઢીંગલીને તે તેની પાસે જ રાખવા માંગતી હતી.

તેણે તેને ઊંચકીને તેના થેલામાં મુંકી દીધી. તેની માંએ તે જોયું, પણ કઈ બોલી નહિ.

થોડા સમયમાં તો તેમના રમકડા ફટાફટ વેચાવા લાગ્યા. અને ટોપલામાં ફક્ત ત્રણ રમકડા રહી ગયા. એક મોટર, અને બે પોપટ. બસ તે પણ વેચાઈ જાય તો ઊભા થઈને ઘરે જઈ જમવાનું બનાવી શકાય.

“રમકડા લેતા જાઓ રમકડા. માટીના સુંદર રમકડા.” રમાની માંએ એક બુમ લગાવી.

રમા આજે વિશેષ ખુશ હતી. એક તો બધા રમકડા વેચાઈ ગયા હતા, અને તેની માંએ તેને તેની પસંદની ઢીંગલી રાખવા દીધી હતી.

તેટલામાં એક છોકરી તેના નાના ભાઈ સાથે ત્યાં આવી. તેનો ભાઈ ઘોડી વડે ચાલી રહ્યો હતો. તેનો એક પગ સહેજ ટૂંકો હતો. છોકરી તેને ચાલવામાં મદદ કરી રહી હતી.

પાસે આવીને તેમણે રમકડા જોયા. રમાએ બાકી રહેલા ત્રણ રમકડા તેઓને બતાવ્યા. પણ છોકરાના ચહેરા પર ઉદાસી છવાઈ ગઈ. તે જોઇને તેની બહેન તેને સમજાવવા લાગી. પણ તે છોકરો નીચું જોઈ રહયો. તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા.

“બહેન, શું તું મને ક્યારેય ઢીંગલી નહિ અપાવે? અને આજે તો મારી વર્ષગાંઠ છે. શું આજે ફરી આપણે નિરાશ થવાનું? ક્યારેય પણ એવું નથી બનતું કે આપણે જે વિચારીએ તે બને. લાગે છે કે ભગવાન આપણાથી નારાજ છે. આ મંદિરમાં જઈને જરા પૂછી આવ તેને. તું તો કહે છે ને ભગવાન આપણું સાંભળે.”

“ભાઈ, આમ નિરાશ નહિ થા. એક ઢીંગલી ન મળે તો શું ભગવાન આપણી વાત નથી સંભાળતો એમ થોડું કહેવાય? તને તો માં યાદ નથી. પણ તે મને કહેતી કે ભગવાન તો બધાનું સંભાળતો હોય છે.”

“એ બધું મને ન સમજાવ. મને તો બસ ઢીંગલી જોઈએ. જો આજે નહિ મળે તો ભગવાન પરથી મને વિશ્વાસ ઉઠી જશે. અને હું ક્યારેય તારી સાથે કોઈ મંદિરમાં નહિ આવું.”

“લે ભાઈ. આ ઢીંગલી તું રાખી લે. મારી માં મારે માટે નવી બનાવી દેશે. આજે હું તને ફક્ત ઢીંગલી નથી આપી રહી, પણ સાથે તારો ભગવાન પણ આપી રહી છું.” આમ કહી રમાએ તે ભાઈબહેનને બાકી રહેલા બધા રમકડા આપી દીધા.

રમાની માં આ ત્રણેય છોકરાઓની વાત સાંભળીને દિગ્મૂઢ બની રહી.

Whatsapp us to get in touch with you!